Narendrajagtap's Blog

ફેબ્રુવારી 29, 2012

પણ ના ડગે

Filed under: ગઝલ — narendrajagtap @ 8:44 એ એમ (am)

શૂરા ખરા એ માનવી,તલવારથી પણ ના ડગે
આવે કદી જો મોતના, અણસારથી પણ ના ડગે

વિચલીત મન વિચર્યા કરે ,એને બીજુ શું કામ છે
સંકલ્પ જે પાષાણવત, નિર્ધારથી પણ ના ડગે

આધાર જેનો ધર્મ છે,ને પથિક છે જે સત્યનો
પાંડવતણા ગાંડીવના, ટંકારથી પણ ના ડગે

પાવનસદા મન જે રહે,ઇચ્છાથકી જે પર રહે
કપટીજનોના આકરા,ફિટકારથી પણ ના ડગે

આ શબ્દકેરી સાધના, એકાગ્રચિત્તે જે કરે
દંભી સુધારાવાદીની,તકરારથી પણ ના ડગે

Advertisements

જાન્યુઆરી 19, 2012

શમણા ના વાવેતર

Filed under: achhandas rachanao — narendrajagtap @ 8:29 એ એમ (am)

શમણાના વાવેતરની ફસલ હવે રંગ લાવી
પ્રતિકૂળ રસમોને સાથે રાખી ખુબ ખુબ મનાવી
દિલના ઉમંગની હવે વાત દઉં જણાવી
ભાવનાના બિંદુઓનું ઝરણું હવે દઉં વહાવી

કૃષ્ઠ-બંજર ધરતી પડી હતી અમારી
તમે જ કર્યું સિંચન હૈયાના સ્ત્રોત્ર વહાવી
અમે તો મૂક ખેડૂ માત્ર આદેશો ચડાયા
નવી મોસમની હવે શું છે ફસલ, દો જણાવી

ઝેરના પારખાં કરી,સ્વાદ કહેવા કોણ રહ્યો
પરાયાની શું આશ,સ્વજન જો તારો ના થયો
પરખવા કઇ રીતે મૃગજળ,જળ માનીને
મૌન ના શબ્દો એને સબંધ શું વાણીને

સિતારાના ચળકાટે અંજાઇ,ફાણસ ના ફગાવાય
વિપરીત દિશાના વાયરે,પતંગ ના ચગાવાય
બાકી ખેલ છે નસીબના,પડે છે કેમ વાંકું
સંજોગોના વાંકે નિર્દોષ માણસ ના વગોવાય.

ડિસેમ્બર 29, 2011

તું છે ગઝલ

Filed under: ગઝલ — narendrajagtap @ 4:51 પી એમ(pm)

આ વાત મારી માન તું કે માનના તું છે ગઝલ
સ્વપ્નો બધાં મારા હરેક અરમાનના તું છે ગઝલ

મારી ગઝલ ત્યારે બને જો શેરમાં બસ તું રમે
પ્રત્યેક મતલામાં મને ઉલઝાવનાં તું છે ગઝલ

થઇ સૈફની ને થઇ અમર ઘાયલ અને આદિલની
સૌ સાધકોની સાધના-આરાધના તું છે ગઝલ

મત્લાથી લઇ મક્તા સુધીની હારમાળા શબ્દની
ગમતી ગઝલ સરજાવ તું અકળાવના તું છે ગઝલ

તારું રટણ ચારે પ્રહર કરતો રહ્યો છું હું સતત
હદથી વધારે બસ હવે તડપાવના તું છે ગઝલ

સપ્ટેમ્બર 18, 2011

વિચારો ગઝલના

Filed under: ગઝલ — narendrajagtap @ 2:30 પી એમ(pm)

ધરું છું તમોને વિચારો ગઝલના
તમારા અમારા સબંધો ગઝલના

હકીકત કહુંતો મને ક્યાં ખબર’તી
તમારા દિલે પણ ખયાલો ગઝલના

બનાસી કવિ તો કદમ બે ભરે છે
બનાવે લખીને મુકામો ગઝલના

બહારો તમે પણ છવાઓ ગઝલમાં
નથી દુર આવો, પ્રસંગો ગઝલના

રહે હાથ માથે સદાયે પ્રભુનો
રચાતા જ રહેશે વિચારો ગઝલના

સપ્ટેમ્બર 4, 2011

કેમ કરી ભીંજાવું

Filed under: ગઝલ — narendrajagtap @ 11:46 એ એમ (am)
Tags:

શ્રાવણ બેઠો,…વરસાદ છેટો…
કેમ કરી ભીજાવું
બોલરે સખી મારે કેમ કરી ભીંજાવું

કાઠા ગ્યારે દા’ડા ઓલ્યા,પરસેવાના રેલા
ભાળ રાખીને બેઠી હું તો
ઝરમર આવે વ્હેલા
ખારા ખારા અંગ મારા, કેમ કરી સુકાવું
બોલરે સખી મારે કરી ભીંજાવું

વ્હેલો આવીશ કહીને, પ્રિતમ ગ્યાં પરદેશ
ઉભી ઉભી ઝુરી મરું હું
ક્યારે આવશે એ દેશ
ઉંડા શ્વાસે દુર દેશે હું,અંગ ફોરમ રેલાવું
બોલરે સખી મારે કેમ કરી ભીંજાવું

જુલાઇ 23, 2011

મૃગજળ

Filed under: achhandas rachanao — narendrajagtap @ 4:17 પી એમ(pm)

કેમ દોડતો રહ્યો મૃગજળને જળ માની
તરસ્યો થયો ત્યારે જાણ્યું કે નથી પાણી
ગુલાબ ને રણમાં જોવાના શમણાં સેવ્યાંતાં
કુદરતનાં કોઇ નિયમોની રીત ન’તી જાણી.

ભરોસો સમયનો કરવો કે પોતાની તકદીરનો
વર્ષાના એંધાણ હતા ને પવન વાઇ ગયો,
મેં તો નિશ્ચિત ડગલે જ પગ માંડેલા
પણ ખેલ નસીબે અલગ જ ખેલેલા.

એષણાઓ સંપૂર્ણ ક્યાં થાય છે માનવીની
ખબર કદી ક્યાં પડે છે પહેલેથી ભાવીની
આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની

જેણે ભૂલ કરી છે મૃગજળને પાણી માનવાની
જેમ શત્રુના જ ઘરમાં તેને લલકારવાની
ભૂલથી પણ ગુલાબને રણમાં મળવાની
સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની

જુલાઇ 3, 2011

અવતાર જેવું જોઇએ

Filed under: ગઝલ — narendrajagtap @ 9:09 એ એમ (am)

કલયુગે અવતાર જેવું જોઇએ
ગાંધી કે સરદાર જેવું જોઇએ

સાચને સીધેસીધું મૂકી શકો
જૂઠને શણગાર જેવું જોઇએ

જો કલંકિત એમ કરવા જગ મથે
દ્રષ્ટિમાં પણ ધાર જેવું જોઇએ

થાય જો મુકાબલો સામે ખરો
યુધ્ધમાં લલકાર જેવું જોઇએ

હર વખત શું કામ સમ ખાવા પડે
પ્રેમમાં રણકાર જેવું જોઇએ

વ્હાલ મડદાને કરું પણ ક્યાં સુધી
લાશમાં ધબકાર જેવું જોઇએ

જૂન 19, 2011

જીવન એક યાત્રા

Filed under: ગઝલ — narendrajagtap @ 2:41 પી એમ(pm)

જીવન એક યાત્રા ને, જીવ છે પ્રવાસી
રહો છો ગણીને, અખંડિત નિવાસી

વરેલુ છે મૃત્યું, જનમની જ સાથે
હલેસા લગાવો, તમે છો ખલાસી

નિહાળી રહ્યાંછો, નૃત્યો જીવનનાં
પનારે પડ્યુ છે, આ મૃત્યું અમાસી

જનમતાની સાથે, પ્રતિપળ ઘટે છે
જવાની ઘટે છે, બનો છો પ્રવાસી

ડરોના વધાવો, વિચારો મરણના
નિવાસી અમે ક્યાં ! જુઓરે ! તપાસી

મે 29, 2011

દવા બસ તમે છો

Filed under: ગઝલ — narendrajagtap @ 12:13 પી એમ(pm)

બતાવું તમોને દરદ જો અમારા
રડી ઉઠશે આ નયન પણ તમારા

સરોવર ખિલે છે કમળ ના પ્રતાપે
નયન ને ગમે છે ફુલોના નજારા

કદમ તો અમારા તમારી તરફ છે
તમારા વગર ક્યાં અમારા પનારા

અમારા દરદની દવા બસ તમે છો
તમે તો અમારા જીવનના સહારા

હવે તો અમારા કદમ ડગમગે છે
પહોચી જવું તો તમે છો કિનારા

મે 8, 2011

સાગરસમાં સંસારમાં

Filed under: ગઝલ — narendrajagtap @ 8:56 એ એમ (am)

સાગરસમાં સંસારમાં કઇ કેટલા છે સ્વાર્થી
ના ઓળખો તેને જગતમાં સૌ કહે છે અજનબી

આ ઘોર કળયુગ જગમહીં છે છળકપટ ચારે તરફ
જો થાય પૂજા આરતી ઢોંગીજનો છે તરકટી

ડર આજ ક્યાં છે માનવીને પાપના બોજાતણો
ભગવાન કેરા ન્યાયની તલવાર ત્યાં છે ઝૂલતી

ધરતી હજી જોતી રહી આકાશ કેરા ઢંગને
જનજન થકી મનવેધતી સંવેદના છે દેખતી

ક્યાં છે જમાનો તીર ને તલવારનો આ જગમહીં
આતંક કેરા બોમ્બથી ધરતી ધુણે છે ધગધગી

« અગાઉના પૃષ્ઠઆગામી પૃષ્ઠ »

Blog at WordPress.com.

%d bloggers like this: