Narendrajagtap's Blog

સપ્ટેમ્બર 8, 2013

નચાવી છે

Filed under: ગઝલ — narendrajagtap @ 12:08 પી એમ(pm)

મદારી  થઇ જમાનાએ, ઇશારાથી નચાવી છે
અમારી જાતને પૂછો, પરાણે મે બચાવી છે

જગત જાલીમ છે એ તો, ખબર નો’તી પડી મુજને
પ્રહારો શબ્દના ઝીલી,ખુમારી મે ટકાવી છે

મલાજો મેં નથી લજવ્યો,બનાવ્યો જે જમાનાએ
ધરી ફૂલો,સહી કંટક,સમજદારી નિભાવી છે

પડ્યા પર મારવું પાટું,જગત રીતિ નિરાળી છે
ભરીને વિષ આ દેહે, અમે અમૃત બનાવી છે

સમયના વ્હેણમાં આવ્યાં,ઘણા ફૂલો,ઘણા પથ્થર
કરેલા કર્મ ઝરણામાં,જીવન નૌકા વહાવી છે.

મે 12, 2013

નખ્ખોદ વાળશે

Filed under: ગઝલ — narendrajagtap @ 12:38 પી એમ(pm)

નેતા બધા ગજવાભરી, નખ્ખોદ વાળશે
ને ભૂખડા જ્યાં ત્યાં ચરી, નખ્ખોદ વાળશે

નાલાયકોને ભાન ક્યાં, આ દેશનું જરા
કોઇ ડર નથી, ખણખોતરી, નખ્ખોદ વાળશે

ક્યાં ઓસરી છે વીરતાં, ઓઝલ થયાં જોશ
જાગો…નહી તો છેતરી, નખ્ખોદ વાળશે

કૌભાંડ કરવા બસ, જનમ જાણે લીધો ભલા
આડું ઉભું એ  વેતરી, નખ્ખોદ વાળશે

છાંટો દયાનો ક્યાંવસે છે,તેમના મને
આફત નવી કો નોતરી, નખ્ખોદ વાળશે.

માર્ચ 10, 2013

સૂરજમુખી

Filed under: achhandas rachanao — narendrajagtap @ 10:02 એ એમ (am)

તમો સૂરજ, અમે સૂરજમુખી
તમોને સદા નિરખ્યાં કરીએ રે !

વચ્ચે આવે જો કાળી વાદલડી
વિરહમાં ઝૂરી મરીએ રે !

હરખાતા ભાળીએ વહેલી સવારે
થનગની થનગની ઉઠીએ રે !

સાંજ પડે જ્યાં આથમવા ટાણે
નિરાશ મુરજાઇ પડીએ રે !

તમારા સાનિધ્યે, કપાઇ જાય દાડો
રાતે નિસાસા નાખી, જાગી મરીએ રે !

તમારા અજવાળે પોષણ પામી અમે
પ્રભુ મસ્તક શોભાવીએ રે !

જઇને બેઠા પ્રભુ ચરણીએ પણ
છાનાછપના તમને નિરખ્યાં કરીએ રે !

માળી આવી જે દિ ચૂટે ડાળેથી
કાળો દાડો અમ કેરો,મરણ જાણે સમજો રે!

ફેબ્રુવારી 24, 2013

સંભવ નથી

Filed under: ગઝલ — narendrajagtap @ 10:23 એ એમ (am)

છે કૌરવો અઢળક છતાં,નટવર સખા પાંડવ નથી
માભોમને કાજે મહાભારત હવે સંભવ નથી

વાણી ભલે ઉચ્ચારતાં,નાદાનિયતની લાગતી
ધારીને જોશો તો  હવે,ભોળા રહ્યાં શૈશવ નથી

ભારે પડે પીછાણવાં,તરકટ પ્રપંચીનાં અહીં
નાખો નજર જો સૂક્ષ્મતો,પાપીપૂરા માનવ નથી.

જીવન જીવેછે આ બધા,એશો અને આરામથી
પણ હરપળે ઉચાટ્માં,મનથી ખરો વૈભવ નથી

ફુલો સુવાસિત જ્યાં હતાં,આજે ખડી ઇમારતો
મનહર કમળ ક્યાં પાંગરે? એ જળ નથી,કાદવ નથી

જાન્યુઆરી 1, 2013

2012 in review

Filed under: ગઝલ — narendrajagtap @ 5:37 પી એમ(pm)

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

The new Boeing 787 Dreamliner can carry about 250 passengers. This blog was viewed about 1,800 times in 2012. If it were a Dreamliner, it would take about 7 trips to carry that many people.

Click here to see the complete report.

ડિસેમ્બર 2, 2012

જિંદગી

Filed under: ગઝલ — narendrajagtap @ 11:21 એ એમ (am)

છાયડાસમ છે ઘડીભર જિંદગી
પાનથી પીળી તરુવર જિંદગી

ટેકઓવરમાં જણાતાં સૌ કોઇ
મોત ભીડે બાથ સરભર જિંદગી

ધૂમ્રશેરો છોડતાં સૌ ચૌતરફ
છે હળાહળ ઝેર અજગર જિંદગી

બૂંદ ટીપાની રહે છે પ્યાસ તો
પ્રેમથી આપે સરોવર જિંદગી

આજને માણો-મનાવો પ્રેમથી
ક્યાં રહી છે હરડગર પર જિંદગી

ઓક્ટોબર 7, 2012

સજાવી છે

Filed under: ગઝલ — narendrajagtap @ 11:55 એ એમ (am)

લઘુગુરુ ની કેડીએ ,ગઝલશેરી સજાવી છે
સુમેળે શબ્દના સાથે ,કવનપ્રીતિ સજાવી છે

હવે તો સાથ છે છંદો,અને સાથે પરમમિત્રો
અને તેથી જ તો આ મે ,ગઝલ લગની સજાવી છે

અભિનંદન ખરા એને , મને લાયક બનાવ્યો છે
ગઝલના રુપ ને રંગો, બધા શીખવી સજાવી છે

ભલામણ એક છે મારી, પકડ્જો હાથ બસ તેનો
ગઝલરાણીની સેવામાં, દિવસ-રજની સજાવી છે

અભિલાષા મને એવી, બનાવું ગ્રંથ સુંદર હું
કરીને સ્વપ્ન હું પુરું , ઉમેદ મનની સજાવી  છે

જુલાઇ 7, 2012

જીવું છું

Filed under: ગઝલ — narendrajagtap @ 1:47 એ એમ (am)

વરસો જુના હું દાયરામાં જીવું છું
ખખડી ગયેલા ખોરડામાં જીવું છું

ક્યાં જિંદગીનો કોઇ હલ ઉપલબ્ધ છે,
ઉત્તર વગરના કોયડામાં જીવું છું

શું આ જ છે જીવતર ખરેખર? ક્યોં મને
આડંબરોના નેસડામાં જીવું છું

સગપણ ખરા સમજાય છે ક્યાં કોઇને
તડકા ભરેલા છાંયડામાં જીવું છું

ભય મૃત્યુનો,નિર્ધાર નહીં બદલી શકે
બે ખોફ,મારા આયખામાં જીવું છું

મે 6, 2012

અભિયાનમાં

Filed under: ગઝલ — narendrajagtap @ 12:01 પી એમ(pm)

વ્યસન તજી સ્વસ્થ રહો,આવો તમે અભિયાનમાં
થાપણસમો આ દેહ છે,મનડું ભમે અભિયાનમાં

માનવમટી ભરખાઇને,દોઝખભર્યા નરકાલયે
સમજે મને જે સાનમાં,માણસ ખપે અભિયાનમાં

મક્કમબની વ્યસન તજી,સમજાવતો જે અન્યને
પ્રેમે કરી અપનાવતાં,સૌને ગમે અભિયાનમાં

દૂષણબની રોગો કરી,બંધાણમાં તાણી જશે
તેથી જ તો બોલાવીએ, સૌને અમે અભિયાનમાં

સરકારની પણ છે ફરજ,આપો તમે પણ સાથ જો
ભારત બને સ્વસ્થ સરસ,નજરે તરે અભિયાનમાં

માર્ચ 21, 2012

ઘડીવાર થાશે

Filed under: ગઝલ — narendrajagtap @ 5:46 પી એમ(pm)

તહેવાર જેવા વહેવાર થાશે
પ્રસંગો જીવનમાં ઘણીવાર થાશે

નયનમાં કરમનાં કજીયાં સમાવી
કહો તો મને ! શું ભલીવાર થાશે!

સુમન જો સુગંધી અચાનક ગુમાવે
તો માળીજ એનો કસુરવાર થાશે

લવારા કરે લોક, જોઇને પીળું
ધરી કાનપર શું સકરવાર થાશે

ઠરે છે નયન જોઇ તારા વદનને
મુંઝામણ તને પણ ઘડીવાર થાશે

આગામી પૃષ્ઠ »

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: